માંગરોળ: વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા
વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા
માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક
લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે
માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે.
માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી
અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩૮૦ પગથિયાં બનાવવામાં આવ્યા છે.
બણભાડુંગરનાં ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા ગણાતા 'બણબાદાદા' અને 'ગોવાલદેવ' પૌરાણિક દેવસ્થાન આવેલું છે. કાળીકામાતાનું સ્થાનક બનાવવામાં આવ્યું છે. જ્યારે બણભાડુંગરની તળેટીમાં 'હનુમાનદાદા'નું મંદિર આવેલું છે. જેથી પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર આદિવાસી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તારના આદિવાસીઓ દોવલુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગરમેળો ભરાતો હોય છે.
બણભા ડુંગર પરિસરીય વિસ્તારની આસપાસ બહુમુલ્ય કુદરતી સંપતિ વન્યપ્રાણીઓ, હરણ, શિયાળ, સસલા જંગલી ભૂંડ, બિલાડા વિવિધ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. પરિસરીય પ્રવાસન કેન્દ્ર બણભાડુંગર ઉપર ચેનલીંગ ફેન્સીંગ, ડામર રસ્તો, ગેટ કોમ્યુનિટી હોલ, રસોડાનો શેડ, સ્વ- સહાય જુથ માટે કેન્ટીન વન કુટીર-૮, વન્ય પ્રાણીઓનાં સ્ટેચ્યુ સ્થાનિક પુરુષોનાં સ્ટેચ્યૂ-ડોવળા જેવા પારંપરિક વાજીંત્રો સાથે વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે
બણભા ડુંગર (દાદા)નો ઇતિહાસ ઘણો જ પ્રચલિત
પૌરાણિક કાળમાં અહીં બણભાદાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઇશનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભીલોડીયો ડુંગર એ ભાઈ અને માંડવી તાલુકાના પીપલવાળા પાસે આવેલો આહિજો ડુંગર એ પણ બણભાદાદાના ભાઈ ગણાય છે. બણભા ડુંગરની પાસે નાના નાના ડુંગરો એ પણ એમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભાડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલીનો ડુંગર છે જે તેમની બહેન ગણાય છે જે બહેન ઊંચી વધતી હોવાથી દાદાએ ચલમનો કાકરો ઉપર મુકી તેમની ઊંચાઈ નિમિત્ત રાખી હતી. જેના પર આજે પણ મોટો પથ્થર છે બણભા દાદાનો ઇતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી પણ હતી, જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા તેમની પાસે ઘોડાઓ પણ હતા. જેઓ ઘોડા ચરાવવા માટે તે સ્થળે જતા હતા એ આજનું ઘોડબાર ગામ છે. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો લાડડીયો ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે જે પણ તેમની બહેન ગણાય છે જે મીઠા ડોગરી તરીકે પુજાય છે એવું પણ કહેવાય છે કે દેવમોગરા માતા પણ તેમની બહેન ગણાય છે. બણબાની ટોચ ઉપર ગુફા આવેલી છે જેમાં મોટી ભેખડો આવેલી છે જેમાં દેવ પૂજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે જે જળદેવી તરીકે પૂજાય છે કોઈએ પાણી પીવું હોય તો પહેલા પુજા કરવી પડે છે. અને ત્યારબાદ પાણી પીએ છે. ડુંગરની સામે આવેલી ટેકરી કસોટીઓ તરીકે ઓળખાય છે જેના પર દાદાની ધોતી સુકવવામાં આવતી હતી ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણુ છે જેમાંથી આદિવાસીનું ખાવાનું ભડકું (રાબ) નીકળતી હતી પરંતુ કોઈએ ખાવાનું ખાઈને એઠુ પાંદડું નાખતા જે બંધ થઈ ગઈ હતી એવી લોકવાયકા છે.
Comments
Post a Comment