આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો

          આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો



સફળતા પૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર, અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે દિવાસો. દ.ગુજરાતના આદિવાસીઓ પ્રકૃતીને પૂજવામાં માને છે. પ્રકૃતિ એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે. જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાંયણુ કરવામાં આવે છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ઉપરાંત અન્ય આદિવાસી સમાજની વસ્તી ધરાવતા અન્ય વિસ્તારોમાં પણ દિવાસનો તહેવાર ઉજવાય છે.

તો અન્ય કેટલાક ગામોમાં -દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનું રાખવામાં આવે છે. તો કેટલાક ગામોમાં મંગળવારે કા તો બુધવારે પણ દેવ પુજાતા હોય છે. નક્કી કરવામાં આવેલા તહેવારની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામના કોટવાળાને ગામ દ્વારા સુચના આપવામાં આવે છે. તે પ્રમાણે તે ફળીયે જઈને પોતાની આગવી શૈલીમાં દિવાસો કરવાનો છે, નજીકના સ્થળે હાટ હાટ ભરવા સુધીની જાણકારી આપવામાં આવે છે. લોકો તહેવારમાં જોઈતી સામગ્રી લેવા માટે હાટમાં ઉમટી પડતા હોય છે. લોકો ઉપયોગી વસ્તુઓની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે.

ખાસ કરીને સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળપતિ સમાજના લોકો ઢીંગલા બાપાની સ્થાપના કરીને આ દિવાસાનો તહેવાર ઉજવે છે. આ દિવસે પિતૃઓને પણ યાદ કરવામાં આવે છે. 

દિવાસાનો તહેવાર બારડોલી, પલસાણા, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ, સુરત શહેર પંથકમાં પણ અનેરૂ આકર્ષણ ઉભું કરે છે. તેમાં સમગ્ર ગુજરાતમાં નવસારીના મોલધરા, ભટ્ટાઈ, છાપરા, દાડીવાડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પરંપરાગત ઢીંગલા બાપાનું નિર્માણ કરી વરરાજા જેવો શણગાર કરી આદિવાસી હળપતિ સમાજ તેની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે. 

ત્યારબાદ દિવાસાના દિવસે સમગ્ર નવસારી નગરમાં વિશાળ વરઘોડો કાઢવામાં આવે છે. અંતે આ વરઘોડો નવસારીની લોકમાતા પુર્ણા નદીના પટમાં ઢીંગલા બાપાને વિર્સજન કરવામાં 
આવે છે.  આ ઢીંગલા બાપાનો પ્રસંગ ૧૦૦ વર્ષથી પણ વધુ વર્ષોથી  નવસારી શહેરમાં ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસાનો તહેવાર ખાસ કરીને દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનોનું પુજન, તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે. 

ચાલુ વર્ષે નવા લગ્ન કરનાર યુવતીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ અને આભૂષણોથી સજજ થઈને ચણાના ડાળીયા સૌને વહેચે છે, આ દરેક ગામોમા વર્ષ જુની પરંપરા છે. દિવાસાના દિવસે પોતાના પુર્વજોના ખત્રાનું પુજન કરી તેને નવેધ ચઢાવી ઘરે બનાવેલી તમામ વાનગીઓનું ભોજન થાળ ચઢાવાય છે. અને સાથે છોક પાળવાની પ્રથા છે.



Comments

Popular posts from this blog

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત (3.0) વડાપ્રધાન બનવા પર હાર્દિક શુભકામનાઓ.